December 02, 2017

આંબેડકરવાદ - અસરો, બિનઅસરો ભાગ-૨

By Dinesh Makwana  || 25 Nov 2017


૭. કેટલાય લેખો મે વ્યસન વિશે લખ્યા. બાબા સાથે જોડાયેલા લોકો પોતાના ગામમાંથી વ્યસન દુર કરવા માટે કોઇ પ્રયત્ન કરતા નથી. બાબાના વિચારો જાણવાથી વ્યસન દુર થતા નથી. હમણા જ ખંભાતમા દારુનું વેચાણ બંધ થાય તે માટે કેટલાય જાગૃત યુવાનોએ મામલતદાર ને જઇને આવેદન આપ્યું હતું. ધન્ય છે આ યુવાનોને. દરેક ગ્રુપ ગામમાં આવીને બાબા વિશે પ્રવચન આપી જાય છે પણ કોઇ જે તે ગામના વ્યસનો ને દુર કરવા માટે કશુ જ કહેતા નથી. કારણ કે તેમને સમસ્યા કરતા પોતાની પ્રસંશામા વધુ રસ હોય છે. શિક્ષણનું પ્રમાણ ખરેખર વધ્યું છે પણ તેની સાથે જો વ્યસન પણ વધ્યું હોય તો તે ચિંતાનો વિષય છે. બાબાના વિચારોને જાણતો શરાબી કરતા નિરવ્યસની મંદિરમાં જતો વ્યકિત મારી દષ્ટિએ વધુ પ્રસંશનીય છે કારણ કે તે સમાજનું ભલું કદાચ નહી કરે પણ પોતાનું કુટુંબ બરબાદ થતા સો ટકા બચાવી શકશે.

૮. અનુસુચિત જાતિની દરેક પેટા જાતિઓને એક પ્લેટફોરમ પર લાવવાનો પ્રયાસ અત્યંત સરાહનીય છે પણ ગામમાં ચાલતા ભેદભાવ ને આપણે દુર કરી શકતા નથી. કેટલાય ગામમાં ચાલતી તડ પ્રથાને નાબુદ કરી શક્યા નથી. નવી પેઢી એકબીજાના મિત્રો છે પણ સામાજિક પ્રસંગોમાં એકબીજાથી દુર રહે છે, દુર રાખવામા આવે છે. કેટલીય વાર બાબાના સંલગ્ન પ્રસંગમાં પણ એક તડ વાળા જતા નથી. આ જોયેલો અનુભવ છે, આઘાત અને આશ્ચર્ય ની વાત છે પણ કડવી હકીકત છે. નવી પેઢીએ હિંમત કરવી પડશે, બદલાવ લાવવો પડશે. તડ પ્રથા માટેના કારણો દુર ના થઇ શકે તો તેને ભુલવા રહ્યા. બાબાના વિચારો આપણને ભેગા ના કરી શકતા હોય તો આ શિક્ષણ શા કામનું.

૯. બાબાના નામે ઉભા થયેલા સંગઠનોએ સમાજમાંથી મોટી રકમ દાન તરીકે એકઠી કરી, પણ ખર્ચનો સાચો હિસાબ રજુ ના કરી શકે. કેટલાક તે પૈસામાંથી જ પાર્ટી કરતા રહ્યા, લોકોના પૈસા શરાબ પીતા રહ્યા. આ પરિસ્થિતિમાં આવી સંસ્થાઓ પર કેવી રીતે વિશ્વાસ આવે, બધા આવુ નથી કરતા, પણ આપણા સંગઠનો કે મંડળો પર સમાજના કેટલાય વ્યકિતઓને આજે પણ વિશ્વાસ નથી. તેથી કેટલીય સક્ષમ વ્યકિતઓ દાન આપતા કતરાતી હોય છે. કારણ કોઇ એક સંસ્થાનો કડવો અનુભવ હોય તો દરેક સંસ્થાને તે નજરથી મપાય છે. સંસ્થા ચલાવવા માટે આર્થિક મદદ ની જરુર રહેલી છે. પણ પારદર્શક વહીવટના અભાવે સમાજમાંથી દાન મળી શકતું નથી. તમારે આના માટે વધુ ધ્યાન આપવું પડશે, લોકોને વિશ્વાશ આપવો પડશે, એક અલગ ઇમેજ ઉભી કરવી પડશે. સંસ્થા પર જ્યારે અવિશ્વાસ ઉભો થાય ત્યારે સંસ્થા ના હેતુથી લોકો દુર ભાગે છે, પછી કેમ તે બાબાના વિચારો સાથે જોડાયેલી કેમ ના હોય.

૧૦. કેટલાય વોટ્સ અપ ગ્રુપ બાબાના વિચારો સાથે જોડાયેલા છે, કેટલાય માત્ર તેના માટે જ બન્યા છે. પણ હુ મોટો આંબેડકરવાદી તેની હરિફાઇ ચાલતી રહે છે. કોપી પેસ્ટ મેસેજ મોકલાતા રહે છે, જે કોઇ વાંચતું જ નથી. કારણ કે ફોરવર્ડ કરેલો મેસેજ છે. તેમાંય જો કોઇ વિષય પર ચર્ચા થઇ તો એવી કાપાકાપી શરુ થાય છે કે વાત ના પુછો. ઉંમર, હોદો બધુ બાજુ પર મુકી દેવામાં આવે છે, ગ્રુપ પર આપણે કોઇને હડધૂત કરવામાં ગર્વ અનુભવીએ છે. બાબાના વિચારો તમને નમ્રતા કે વિવેક ના શીખવાડી શકતા હોય તો બાબાના બધા પુસ્તક ફેકી દો. દરેકે દરેક પુસ્તક ના વાંચ્યું હોય, તેથી શક્ય છે સામી વ્યકિતને ખબર ના હોય પણ આપણે એવી દલીલો કરીયે છે કે પેલાને અપમાન જેવું લાગે. મને આવા અનુભવો થયા છે. તેથી તેવા ગ્રુપ સાથે હુ લાંબો સમય રહી ના શક્યો. આપણે જોડવાના બદલે તોડવાનું કામ કરી રહ્યા છે. દરેકની મંજિલ એક છે પણ રસ્તા જુદા જુદા છે, એક રસ્તા પર આવી શકે છે પણ અંદર રહેલો ઇગો તેમને તેમ કરતા રોકે છે.

આ માત્ર સામાન્ય નિરિક્ષણ છે. કેટલીય સંસ્થાઓ આજે પણ પ્રમાણિકતા થી કામ કરે છે. આમાં બીજા મુદા ઉમેરી શકાય અને તેને સુધારીને સમાજઉપયોગી બનાવી શકાય.

દિનેશ મકવાણા
૨૫/૧૧/૨૦૧૭

No comments:

Post a Comment