December 02, 2017

આંબેડકરવાદ - અસરો, બિનઅસરો ૧

By Dinesh Makwana  || 24 Nov 2017

ઉના કાંડ ની પહેલા છુટા છવાયા અત્યાચારો દલિતો પર થતા હતા, કેટલીક જગ્યાએ ફરિયાદો થઇ, કેટલીક ફરિયાદો કોર્ટ સુધી પહોંચી જ નહી, કેટલીક પહોંચી તેમાં કેટલાય કેસોમાં ચુકાદા આવ્યા નથી, કેટલાકમા ચુકાદા આવ્યા પણ જોઇએ તેની અસર થવી જોઇએ તેવી થઇ નથી. ખુનની સજા ફાંસી હોવા છતા ખુન બંધ નથી થયા. કારણ કે પોલિસ માત્ર ગુનો રોકવાનું કામ કરે છે, પોલિસનુ કામ ગુનેગારોને પણ રોકવાનું છે, ગુનેગાર ના બને તે પણ જોવાનું છે.

દુષ્ટોને જો દંડિત કરવામાં ના આવે તો સમાજમાં શાંતિ ફેલાઇ શકે નહી. - ચાણક્ય

 પણ આજનો મુદો આંબેડકર પર છે, આંબેડકરવાદ પર છે. ઉના કાંડ પછી દરેક ગામમાં એક નવું સંગઠન બન્યું જેનો ઉદેશ બાબાને વિચારોને દરેક વ્યકિત સુધી લઇ જવાનો હતો, હજુય છે પણ બે વર્ષમાં જોઇએ તેવી સફળતા મળી નથી. કેટલીય જુદી જુદી મીટીંગ એટેન્ડ કર્યા બાદ, કેટલાય વ્યકિતઓને મળ્યા બાદ કેટલાક તારણો રજુ કરુ છુ, જેના પર વિચારવાની જરુર છે.

કોઇની ભુલ બતાવવાનો લેશ માત્ર ઇરાદો નથી. પણ હુ આ સમાજનો હિસ્સો છુ, જો કશુંક  મારી વાતોથી સુધારી શકાતુ હોય અને આપણે સાચા રસ્તે જઇ શકતા હોય તો આ મહેનત કઇંક અંશે સફળ થઇ શકશે.

૧. દરેક પોતાના ગામ કે ક્ષેત્રમાં બાબાના નામે જુદા જુદા સંગઠનો બનાવ્યા પણ એકબીજા સાથે સંકલન નથી.એક સંગઠનનો પ્રમુખ બીજા સંગઠનની સભામાં જતો નથી, તેમના કાર્યક્રમમાં હાજરી આપતો નથી કારણ કે તે પોતાની અંદરના પ્રમુખપણાને છોડી શકતો નથી. જો કદાચ ભુલે ચુકે જાય તો તેને પ્રમુખ જેટલું જ સમ્માન જોઇએ છે. આને પાછો બીજો ય ડર હોય છે કે તેના સમર્થક જો પેલાના કાર્યક્રમમાં જશે તો પોતાની ઇજ્જત લુંટાઇ જશે, તેથી પોતે જતો નથી અને બીજાને જવા દેતોય નથી. એકતાની વાતો ખોખલી સાબિત થાય છે. કેટલાક સંગઠનોના હેતુ જુદા હોય તો પણ બીજા સંગઠનોનો સહકાર મળતો નથી. કારણ કે દરેકને ડર અને ચિંતા છે પેલો પ્રસિદ્ધ ના થઇ જાય.

૨.  જે સંગઠન ચલાવે છે તેમનુ વર્તન કે વ્યવહાર અનુકરણીય બનાવી શકતા નથી. એક સંગઠનના મંત્રી પોતાની જિદ છોડી શકતા નહોતા. દરેક બાબતમાં માથું મારીને પોતાનું ધાર્યું કરાવતા. વ્યક્તિગત સંબંધો ખરાબ ના થાય તેના કારણે સંગઠનનો ભોગ લેવાતો.  નકામી બાબતો તરફ તમારી ખામોશી ને કારણે તેમાં તમે પણ ભાગીદાર છો.

૩. કેટલીક વ્યકિતઓને પોતાની પ્રસંશા થતી રહે તેમાં જ રસ હોય છે. હુ કોઇ સંસ્થાના સભારંભ ના અતિથિ વિશેષ બનવા માટે ૧૧૦૦૦ નું દાન આપું પણ ગામડામાં બિમાર મા માટે એક રૂપિયાનો ખર્ચ ના કરી શકુ તો લાનત છે આ જીવનને . આ વર્તન કે વ્યવહાર બીજા જોઇ રહ્યા છે, જો આવુ જ હોય તો તમે બીજા માટે કેવી રીતે પ્રેરણા રુપ બની શકો. તેથી આવી વ્યકિતઓ જે સંગઠન સાથે જોડાયેલી છે તેને પણ નબળા પડે છે.

૪. વધારે સંગઠન હોય તો જવાબદારી વહેંચાય છે, તમે વધુ લોકો સુધી તમારા હેતુ પહોંચાડી શકો છો પણ પરસ્પર સંકલનના બદલે હરીફાઈ ચાલે છે, પોતાના કાર્યક્રમમાં માત્ર ૫૦ જ ભેગા થયા પણ પેલાના કાર્યક્રમ મા કેમ ૫૦૦ આવ્યા તેથી હરીફાઈ વધુ ઉડી બનતી જાય છે, મતભેદ મનભેદમાં ફેરવાતો જાય છે. અંગત સંબંધો ખરાબ થતા જાય છે. મિશન દુર થતુ જાય છે.

૫. આપણા સંગઠનોએ લોકોની સમસ્યા મા બહુ રસ નથી બતાવતા. જે તે ગામમાં જઇને લોકોને ભેગા કરીને બાબાના સંઘર્ષ અને બીજી વાતો કરીને આવી જવુ. ફરજ પુરી, સમાજ જાગૃત. પણ વાસ્તવિકતા જુદી  છે. ખરેખર તો જે તે ગામના વ્યકિતઓને આપણે સાંભળતા જ નથી. તેમની સામાન્ય વાતો કે સમસ્યામાં આપણને રસ નથી હોતો. આ બાબતમાં સ્વાધ્યાય પરિવારે જે રીતે લોકોને જોડવાનું કામ કર્યુ હતું તેમ આપણે કરતા નથી. આ સ્વાધ્યાય પરિવાર મા જનરલ કેટગરીના મિત્રો તમારા વિસ્તારમાં આવીને માત્ર સામાન્ય વાતો કરતા કરતા તમારો વિશ્વાસ કેળવતા, બહુ ગંભીર કે ના સમજાય તેવી વાૂતો કરતા નહી. મારી દષ્ટિએ સ્વાધ્યાય પરિવાર જાતિ દુર કદાચ ના કરી શક્યા પણ જાતિ વચ્ચેનો ભેદ તેમણે ઘણો ખરો ઓછો કરી નાંખ્યો હતો. એક અદ્ભુત મિશન સાથે કામ કરતી સંસ્થાના વળતા પાણી થયા અને નુકસાન પછાતોને જ થયુ.

૬. ખ્રિસ્ત મિશનરી વિશે મે પહેલા લખ્યુ હતું તેમ આપણે આપણી નજીકના લોકોની સમસ્યા જોઇ શકતા નથી, કે તેમને મદદ કરતા નથી. બનાસકાંઠામા પુર આવ્યુ ત્યારે રાહત સામગ્રી લઇને જતા ફોટા કેટલાય ગ્રુપ પર જોયા, પણ તેમના જ ગામના કોઇ ગરીબને અથવા જેને જરુર છે તેમાં તેમને રસ નથી.  ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો જેવો ઘાટ કરતા રહીયે છે. મુળ લોકોનું ધ્યાન ખેંચવામા આપણે સફળ કદાય થયા હોઇશુ પણ મુળ સમસ્યા ત્યાની ત્યાં જ રહે છે.

ક્રમશ:

દિનેશ મકવાણા
૨૪/૧૧/૨૦૧૭ ઉદેપુર


Also Read : આંબેડકરવાદ - અસરો, બિનઅસરો ભાગ-૨

No comments:

Post a Comment